હાથરસમાં થયેલી ભાગદોડમાં 121 લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ પહેલીવાર સૂરજપાલ ઉર્ફે બાબા ભોલેનું નિવેદન સામે આવ્યું છે. હાથરસમાં ભાગદોડની ઘટના પર સૂરજપાલ ઉર્ફે ભોલે બાબાએ નિવેદન આપતા કહ્યું છે કે, હું 2 જુલાઈના રોજ બનેલી આ ઘટનાથી ખૂબ જ વ્યથિત છું.
ભગવાન આપણને આ દુ:ખદ ક્ષણોમાંથી પસાર થવાની શક્તિ આપે. બધા શાસન અને પ્રશાસન પર ભરોસો રાખો. અમને વિશ્વાસ છે કે જે ઉપદ્રવીઓ છે તેમને છોડવામાં આવશે નહીં. મેં મારા વકીલ એ.પી. સિંહ દ્વારા સમિતિના સભ્યોને વિનંતી કરી છે, શોકગ્રસ્ત પરિવારો અને ઘાયલોની સાથે ઊભા રહે અને જીવનભર તેમને મદદ કરે…’

હાથરસના મુખ્ય આરોપીની ધરપકડ
આ પહેલા હાથરસ અકસ્માતના મુખ્ય આરોપી દેવ પ્રકાશ મધુકરની શુક્રવારે મોડી રાત્રે UP STF દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. મધુકર પર એક લાખ રૂપિયાનું ઈનામ હતું. અકસ્માત બાદ મધુકર ફરાર હતો. હાથરસ નાસભાગ કેસની તપાસ કરી રહેલી ઉત્તર પ્રદેશ સરકારની SITએ અત્યાર સુધીમાં 90 લોકોના નિવેદનો નોંધ્યા છે.
SIT ચીફ અનુપમ કુલશ્રેષ્ઠે શુક્રવારે આ જાણકારી આપી હતી. અધિક પોલીસ મહાનિર્દેશક (આગ્રા ઝોન) કુલશ્રેષ્ઠ ત્રણ સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)નું નેતૃત્વ કરી રહ્યા છે, જે 2 જુલાઈએ અહીં સત્સંગ બાદ થયેલી નાસભાગમાં 121 લોકોના મૃત્યુ સાથે સંબંધિત કેસ પર વિગતવાર અહેવાલ તૈયાર કરી રહ્યા છે.
